Author: બળવંત જાની

બળવંત જાની

બળવંત જાની કંઠસ્થ પરંપરાના ગુજરાતી લોકસાહિત્ય, સંતસાહિત્ય, જૈન સાહિત્ય, આદિવાસી સાહિત્ય, ચારણી સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન સંશોધક તરીકે તેઓ જાણીતા છે. તેઓ ક્ષેત્રકાર્ય દ્વારા બ્રિટન અને અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના સંશોધક-સંપાદક તથા ઇસ્માઇલી સાહિત્યના અને ધર્માંતરિત મુસ્લિમ સંતસાહિત્યના અભ્યાસી તરીકે તથા શૈક્ષણિક વહીવટી કાર્યના જ્ઞાતા તરીકે પણ જાણીતા છે. સાંપ્રત સમયે તેમનું મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મધ્યકાલીન સંતોના ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાના પ્રદાનરૂપ ભક્તિ સાહિત્યના સ્વાધ્યાય, સંપાદન અને પ્રકાશનનું કાર્ય વિશેષ ધ્યાનાર્હ બન્યું છે.

૧૯૮૦માં પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ ઈ.સ. ૧૧૮૦માં રચાયેલી પ્રાચીન પાંડુલિપિમાં જળવાયેલી શાલિભદ્ર સૂરિની 'ભરતેશ્વર બાહુબલિરાસ' (ઈ.સ. ૧૯૯૦) સંશોધન-સંપાદન પ્રકાશન તેમનું પોસ્ટ ડૉક્ટરલ સંશોધનકાર્ય છે. તેઓ ઈ.સ. ૧૯૭૭થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રાચીન હસ્તપ્રત ભંડારમાં સંશોધક પછી ઈ.સ. ૧૯૭૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગમાં અધ્યાપકપદે નિયુક્તિ પામેલા. ઈ.સ. ૧૯૮૪માં રીડર, ઈ.સ. ૧૯૯૦માં પ્રાધ્યાપક અને પછી અધ્યક્ષપદે હતા. સિન્ડિકેટ સદસ્ય અને આર્ટસ ફેકલ્ટીના ડીન હતા. ઈ.સ. ૨૦૧૩માં વયમર્યાદાથી સેવાનિવૃત્ત થયા. ઈ.સ. ૨૦૦૦થી ઈ.સ. ૨૦૦૩ સુધી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે, ઈ.સ. ૨૦૦૪થી ઈ.સ. ૨૦૦૭ સુધી નેશનલ કાઉન્સિલ ફોર ટિચર્સ એજ્યુકેશન NCTE વેસ્ટ ઝોન, ભોપાલમાં ચેરમેન હતા.. ગુજરાત સરકારની ગુજરાતી ફિલ્મ ઍવૉર્ડ સમિતિના ચેરમેન હતા. ઈ.સ. ૨૦૧૫થી સાગર-મધ્યપ્રદેશની ડૉ. હરિસિંહ ગોર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઈ.સ. ૨૦૨૦ સુધી કુલાધિપતિ હતા. પછી ઉદેપુર જનાર્દનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠના કુલાધિપતિપદે ઈ.સ. ૨૦૨૫ સુધી હતા.

સોરોબોન યુનિવર્સિટી-પેરિસ તથા જર્મન, બ્રિટન અને અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપકપદે વ્યાખ્યાન માટે અનેક વખત તેઓએ શૈક્ષણિક-વિદ્યાકીય સંદર્ભે વિદેશ પ્રવાસ કરેલ છે. તેઓએ યુ.જી.સી.ના વાઇસ ચેરમેનની, વિવિધ સેન્ટ્રલ યુનિવર્સિટીના, ગુજરાત સ્ટેટ યુનિવર્સિટીઓના કુલપતિ નિયુક્તિ માટેની સર્ચ કમિટિમાં સભ્ય તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત થનારી 'ઇન્ડિયન ઇન્સ્ટિટટ્યૂટ ઑફ ટ્રાન્સલેશન ઍન્ડ ઇન્ટરપિટેશન', 'ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય'ના એક્ટ ઓર્ડિનન્સ પ્રિપેર સમિટિના સભ્ય હતા. સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ, મૈસુરમાં, રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન-કલકત્તા અને ભારતીય જ્ઞાનપીઠની ગુજરાતી વિષયની ચયન સમિતિના તેઓ કન્વીનર છે. ભારતીય ફિલ્મની નેશનલ ઍવૉર્ડની જ્યુરી કમિટીના પણ સભ્ય હતા. ગુજરાતી સાહિત્ય અકાદમીમાં કાર્યવાહક સદસ્ય હતા. સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી વિષયની સલાહકાર સમિતિના પણ સદસ્યપદે હતા.

ગુજરાત રાજ્ય સરકારના 'લોકગુર્જરી' નામના લોકસાહિત્યના સામયિક (ઈ.સ. ૧૯૯૯થી વાર્ષિક અને પછીથી ત્રૈમાસિકના ઈ.સ. ૨૦૨૪) એમ પચીસ વર્ષ સંપાદક તરીકે સેવાઓ આપી. લોકસાહિત્ય વિષયના એમનાં બાર પુસ્તકો પ્રકાશિત થયા છે. ચારણી સાહિત્ય, સંતસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિષયમાં એમના ચાલીસથી વધુ પુસ્તકો અને ઉચ્ચ શિક્ષણ વિષયક સત્તર પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાતી ડાયસ્પોરા અને અર્વાચીન ગુજરાતી વિષયના પણ એમના પચીસ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. સાહિત્ય અકાદમી દિલ્હીના 'એન્સાઇક્લોપીડિયા ઑફ ઇન્ડિયન લિટરેચર' તથા 'મિડિયેવલ ઇન્ડિયન લિટરેચર'ના અંગ્રેજી ગ્રંથોમાં તેમના ગુજરાતી સાહિત્ય વિષયના મહત્ત્વના શતાધિક લખાણો પ્રકાશિત છે. કેન્દ્રીય હિન્દી સંસ્થાન-આગરા દ્વારા ગુજરાતી ચાર બોલીના શબ્દકોશના સંપાદક છે.

તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારોથી, ઉત્તર પ્રદેશના સુહૃદ પુરસ્કારથી, હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રકથી અને ડાયસ્પોરા સાહિત્ય સંશોધન સુવર્ણચંદ્રકથી ઉપરાંત ભારત સરકારના ગંગાશરણસિંહ રાષ્ટ્રપતિ પુરસ્કાર(૨૦૨૨)થી તથા ગુજરાત સરકારના ૨૦૨૩ના ગુજરાત ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત છે. તેઓ 'વિદ્યાભારતી' ગુજરાત પ્રદેશનાં પ્રારંભથી કાર્યકર્તા છે અને 'અખિલ ભારતીય સાહિત્ય પરિષદ'ના ઈ.સ. ૨૦૦૦થી ૨૦૧૨ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે રાષ્ટ્રીય સંરક્ષક અને પ્રમુખ ન્યાસી છે. હાલમાં તેઓ 'ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ'ના તથા સ્વામિનારાયણ સંશોધન કેન્દ્ર-વડતાલના માનદ્ નિયામક છે.

બળવંત જાનીનાં પુસ્તકો

Searching...

Navigate
Select
Close