Author: ઈચ્છારામ દેસાઈ

ઈચ્છારામ દેસાઈ

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૦.૮.૧૮૫૩ – ૫.૧૨.૧૯૧૨) એક નિર્ભીક પત્રકાર હતા, નવલકથાકાર અને અંગ્રેજી-સંસ્કૃત ગ્રંથોના અનુવાદક હતા તેમજ મધ્યકાલીન ગુજરાતીના સંશોધક-સંપાદક હતા.

એ ભણેલા માત્ર ૬ ધોરણ સુધી, પણ ખંત અને પરિશ્રમથી ઘણાં કામ કર્યાં. 'સ્વતંત્રતા' અને 'ગુજરાતી' સામયિકો ગુજરાતી-અંગ્રેજી બંને ભાષાઓમાં પ્રગટ કરતા. અંગ્રેજોની નીતિરીતિ સામે તેજાબી ભાષામાં લખતા. એમને ભારત છોડીને જવાનું કહેનાર એ પહેલા હશે. આવા નીડર લેખોને કારણે એમની ધરપકડ પણ થયેલી. 'ગુજરાતી' સામયિકમાં સંશોધનના લેખો ઉપરાંત મુનશીની નવલકથાઓ પણ હપ્તાવાર પ્રગટ કરેલી. વળી, શુદ્ધ ગુજરાતી મુદ્રણ માટે એમણે 'ગુજરાતી પ્રેસ' સ્થાપેલો ને પોતાની 'ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રી' પણ ઊભી કરેલી, એ ગુજરાતી ભાષા માટેનાં એમનાં સ્નેહ અને કાળજીનું પ્રમાણ આપે છે.

હિંદ અને બ્રિટાનિયા' નામની એમની રાજકીય નવલકથાએ પણ એમને ઘણી પ્રસિદ્ધિ અપાવેલી. એના પર પણ એક તબક્કે રાજદ્રોહનો આરોપ મુકાયેલો. એ ઉપરાંત પણ એમણે કેટલીક ઐતિહાસિક-સામાજિક નવલો લખેલી. ૩ ભાગમાં લખાયેલો ગ્રંથ 'ચંદ્રકાન્ત' પણ એ વખતે એવો જ લોકપ્રિય થયેલો. 'કથાસરિત્ સાગર', 'વાલ્મીકિ રામાયણ' વગેરે ઘણાં પુસ્તકોના અનુવાદ પણ એમણે આપેલા છે.

મધ્યકાલીન સાહિત્યનાં એમણે ઘણાં સંપાદનો-સંચયો કર્યાં. એમાં 'બૃહદ કાવ્યદોહન'ના ૮ ગ્રંથોમાં એમણે મધ્યકાળના અનેક કવિઓની જીવન-માહિતી અને કવિતા પ્રગટ કરીને પુષ્કળ સામગ્રી એકત્ર કરી આપી એનું મોટું દસ્તાવેજી મૂલ્ય છે. 'નરસિંહ મેહતાકૃત કાવ્યસંગ્રહ' પણ એમનું એવું જ મહત્ત્વનું સંપાદન છે.

– રમણ સોની

Searching...

Navigate
Select
Close