ઇન્દ્રવદન કાશીનાથ દવે
ઇન્દ્રવદન કા. દવેનો જન્મ પંચમહાલ જિલ્લાના શહેરા મુકામે થયો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શહેરા અને અમદાવાદમાં મેળવ્યું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી તેમણે બી.એ.ની પદવી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષય સાથે પ્રાપ્ત કરેલી. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ ગુજરાત કૉલેજમાં ગુજરાતી વિષયના ફેલો તરીકે જોડાઈને કર્યો. ત્યાર બાદ તેઓ અમદાવાદ, પોરબંદર અને કપડવંજની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને છેલ્લે જંબુસર કૉલેજમાં આચાર્ય તરીકે રહી સેવાનિવૃત્ત થયા. તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના ચૅરમૅન અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન પણ રહ્યા. તેમનું ભરૂચ ખાતે અવસાન થયું. ગુજરાતી સાહિત્યમાં વિવેચક, સંશોધક અને સંપાદક તરીકેની તેમની કામગીરી રહી છે.
તેમનો શોધપ્રબંધ 'કલાપી : એક અધ્યયન' (૧૯૬૯) અભ્યાસીઓને ઉપયોગી બન્યો છે, તે ઉપરાંત 'ઉપાસના' (૧૯૭૧), 'કલાપીના ચાર સંવાદો' (૧૯૭૫) જેવા વિવેચનસંગ્રહો અને 'ગ્રંથ અને ગ્રંથકાર-૧૦' (ધીરુભાઈ ઠાકર સાથે, ૧૯૫૨) અને 'કલાપી-જીવન અને કવન' (સુહાસી સાથે ૧૯૭૦) જેવા સંપાદનના ગ્રંથો પણ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 'કલાપીનો કેકારવ' (૧૯૫૯) 'અભિમન્યુ આખ્યાન' (૧૯૬૭) અને 'સુદામાચરિત' (૧૯૬૭) જેવાં સ્વતંત્ર સંપાદનો પણ તેમની પાસેથી મળે છે. 'કલાપીનો કેકારવ'માં તેમનો વિસ્તૃત ઉપોદ્ઘાત અને વિવરણ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે મુજબ મુકાયાં છે. સવિશેષ 'કલાપી'ના અભ્યાસી તરીકેની વિશેષ મુદ્રા તેમના વાઙ્મયમાંથી બહાર આવે છે.
– ભગીરથ બ્રહ્મભટ્ટ