Author: પ્રેમજી પટેલ

પ્રેમજી પટેલ

પ્રેમજી પટેલનો જન્મ ખેરોલ ગામના સાધારણ ખેડૂત પરિવારમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૯૫૫ના રોજ થયો. તેમનું પ્રાથમિકથી ઉચ્ચ સુધીનું શિક્ષણ ખેરોલ અને તલોદમાં થયું.

નવમા દાયકામાં ટૂંકીવાર્તાના સર્જનની શરૂઆત કર્યા બાદ તરત તેઓ લઘુકથા સ્વરૂપ તરફ આકર્ષાયા અને તેના સર્જન તરફ વળ્યા. તેમણે અંદાજે આલેખેલી સાતસો જેટલી લઘુકથાઓમાં મોટાભાગની સ્તરીય, કલા દૃષ્ટિએ પ્રથમ હરોળની અને કેટલીક તો ગુજરાતી લઘુકથા ક્ષેત્રે બેનમુન કહી શકાય તેવી છે.

લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને અધ્યયન-વિવેચન એ પ્રેમજી પટેલની ઇષ્ટ પ્રવૃત્તિ છે. સવિશેષ તો પોતાના વિસ્તારની લોકકથાઓના શાસ્ત્રીય સંશોધન, સંપાદનના ચાર ગ્રંથો તથા એક લોકગીતોનું સંશોધન, સંપાદન કરતું પુસ્તક આપ્યું છે. તેની કદરરૂપે તેમને ઇ.સ. ૨૦૨૩ના વર્ષનો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પ્રાપ્ત થયો છે. એ જ ક્ષેત્રમાં તેમણે જુદાં જુદાં સ્તરીય સંપાદનો આપ્યા છે. એમાં આદિવાસી લોકસાહિત્યના આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધક, સંપાદક ભગવાનદાસ પટેલની આત્મકથનાત્મક કૃતિ 'મારી લોકયાત્રા'પરના વિદ્વાનોના લેખોને 'મારી લોકયાત્રા વિમર્શ' અને 'ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્ય વિષયક લેખો'ના સંપાદનનો એમાં સમાવેશ કરી શકાય. 'પ્રશિષ્ટ ગુજરાતી લઘુકથાઓ' અને 'કવિ સારસ્વત અભિવાદન ગ્રંથ' એ બે સંપાદનો પણ નોંધપાત્ર છે. તદુપરાંત બાળવાર્તાનાં બે પુસ્તકો, વ્યક્તિચિત્રોનું એક પુસ્તક અને વિવેચનનાં ચાર પુસ્તકો મા ગુર્જરીના ચરણે ધર્યા છે. સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે તેઓ 'શબ્દરવ' નામના સાહિત્યિક સામાયિકમાં સહતંત્રી તરીકે કાર્યરત છે.

– પ્રાગજીભાઈ ભામ્ભી

Searching...

Navigate
Select
Close