રમણભાઈ નીલકંઠ
નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી.
‘કવિતા અને સાહિત્ય’(૪ ગ્રંથો,૧૯૦૪-૧૯૨૯)માં એમની સાહિત્ય-વિચારણાના તેમજ ગ્રંથવિવેચનના કેટલાક દીર્ઘ લેખો મૂલ્યવાન છે પરંતુ ‘ભદ્રંભદ્ર’ નવલકથા(૧૯૦૦) અને ‘રાઈનો પર્વત’ નાટક(૧૯૧૩) એમનાં યશસ્વી ને ચિરસ્મરણીય સર્જનકાર્યો છે. ‘ભદ્રંભદ્ર’ ગુજરાતીની આજસુધીની ઉત્તમ હાસ્યનવલ છે ને ભદ્રંભદ્રનું પાત્ર તો ગુજરાતી ભાષામાં વિચારજડતા અને દંભનો એક મૂર્તિમાન રૂઢિપ્રયોગ બનીને અમર થયેલું છે.
‘રાઈનો પર્વત’ સાધ્યની પ્રાપ્તિ માટે અશુદ્ધ સાધન અજમાવતી માતા જાલકા અને નીતિનિષ્ઠ રહેતા એના પુત્ર રાઈને કેન્દ્રમાં રાખતું, કથારહસ્ય અને નાટ્યસંઘર્ષના આલેખન-કૌશલવાળું તથા રચનામાં ભવાઈ, સંસ્કૃત નાટક અને પાશ્ચાત્ય નાટકનાં તત્ત્વો પ્રયોજતું પ્રભાવક શિષ્ટ દીર્ઘ નાટક છે. ‘હાસ્યમંદિર’ (૧૯૧૫) રમણભાઈની નર્મમર્મશક્તિનો આહ્લાદક પરિચય કરાવતા હાસ્યનિબંધોનું પુસ્તક છે.
‘ગુજરાત સાહિત્યસભા’ના પહેલા પ્રમુખ તરીકે તેમજ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પહેલા અધિવેશનના સ્વાગતપ્રમુખ તરીકે એમણે મનનીય પ્રવચનો કરેલાં. વ્યવસાયે વકીલ રમણભાઈ સાહિત્ય અને સમાજનાં અનેક સંચલનોમાં સક્રિય રહ્યા હતા.
– રમણ સોની