Author: ઉત્પલ પટેલ

ઉત્પલ પટેલ

ઉત્પલ પટેલ (જન્મ : ૧૮ ફેબ્રુઆરી, ૧૯૬૭) ગુજરાતી ભાષાસાહિત્યના, નવી પેઢીના અભ્યાસી અધ્યાપક તરીકે ધ્યાન ખેંચી રહ્યા છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાંથી એમ.એ.ની પરીક્ષામાં એમણે પ્રથમવર્ગ ડિસ્ટીંકશન સાથે યુનિવર્સિટીમાં સર્વપ્રથમ રહીને, બબ્બે સુવર્ણચન્દ્રક પ્રાપ્ત કરેલા. ઉમતા, તા. વિસનગરના વતની. આપણા પ્રથિતયશ સર્જક રામચન્દ્ર પટેલના પુત્ર ઉત્પલ પટેલ આર્ટ્સ-કૉમર્સ કૉલેજ, હિંમતનગરમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવારત છે.

ઉત્પલ પટેલે દિગીશ મહેતાના સમગ્ર સાહિત્યનો સંશોધનાત્મક અભ્યાસ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી એ શોધપ્રબંધ 'દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ' નામે ગ્રંથરૂપે પ્રકાશિત છે, જે ખાસ્સો જાણીતો પણ છે. આ ઉપરાંત 'ગુજરાતી વાર્તાસૃષ્ટિ', 'દિગીશ મહેતાના શ્રેષ્ઠ નિબંધો', 'પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ', 'છે મૃત્યુ એનું કવિતાભરેલું', 'લઘુનવલ : સાચાં સમણાં', 'રેશમી ટહુકાની રજાઈ' એ તેમનાં સૂઝભર્યાં સંપાદનો છે. તેમની તાજેતરમાં પ્રગટ થયેલી 'સોનાના પિંજરનાં પંખી' નવલકથા તો ભાષા અને રચનારીતિથી ધ્યાનપાત્ર બની છે. એમનું 'ગુજરાતી વાર્તાસૃષ્ટિ' સંપાદન તો છએક યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થયેલું છે.

નવલકથા-વાર્તા-નિબંધ-ચરિત્ર સમેતના સર્જનાત્મક સાહિત્યમાં અને આસ્વાદ-વિવેચનમાં એમને ખાસ્સો રસ છે. કૃતિના હાર્દમાં ઉતરીને એનું આસ્વાદન-મૂલ્યાંકન કરવાની એમનામાં દૃષ્ટિ છે. એ વિષયનિરૂપણ, કૃતિના રૂપ-સ્વરૂપને તથા મર્મોને પરખીને વાત કરે છે. એમનું લેખન તેમજ રજૂઆતની ભાષા વિશદ, સ્વસ્થ અને મૂળગામી છે, એના નમૂનારૂપ 'મારી વિવેચનપળો', 'મારી વિવેચનશાળા', 'મારાં વિવેચનનાં પાનાં', 'દૂધે ભરી તળાવડી' જોવા જેવા ગ્રંથો છે. નવા અભ્યાસીઓમાં એ વધુ નોખા તરી આવે એવી એંધાણીઓ એમના અભ્યાસલેખોમાં વરતાય છે, એનો આપણને રાજીપો છે.

– મણિલાલ હ. પટેલ

Searching...

Navigate
Select
Close