ભગવાનદાસ પટેલની આ આત્મકથા એમની પોતાની, ને એમણે આપણનેય કરાવેલી, લોક-યાત્રા છે. આ લોકયાત્રા ગ્રામ-વાસીથી શરૂ થઈને વન-વાસીની કથા સુધી પ્રસરે છે.
ખેડૂતપુત્ર આ લેખક, પહેલીવાર, ખેતી માટે બળદ ખરીદવા જાય છે. ત્યારે, બળદ વેચવો પડે છે એ આદિવાસી સ્ત્રી આખી રાત બળદને ઘાસ નીરતી રહે છે ને એની સાથે વાતો-વલોપાતો કરતી રહે છે એ ક્ષણ લેખક માટે પરિવર્તનની ક્ષણ બને છે, ને પછી, શિક્ષક બનતા આ લેખક, નાના શહેરની ઉજળિયાત વસ્તી મૂકીને, આદિવાસી વિસ્તારોમાં ઘૂમવા લાગે છે ને સમૃદ્ધ આદિવાસી જીવનને સમજવાનું ને એમની એવી જ સમૃદ્ધ મૌખિક દીર્ઘ કાવ્યકથાઓનું સંપાદન કરવાનું હાથ પર લે છે — એ આખી વાત, ટૂંકમાં, સરળતાથી પણ અસરકારક રીતે આ પુસ્તકમાં લખાઈ છે.
વિધિવત્ લગ્ન પૂર્વે પ્રેમસંબંધથી માતા-પિતા બન્યા પછી, પીઠી ચોળીને લગ્નમંડપમાં બેસનાર, ક્યારેક તો, વસ્તાર વધ્યા પછી પુત્રો-પૌત્રોને પણ જાનમાં લઈ જનાર આદિવાસીઓની અકુંઠિત સમુદાર સંસ્કૃતિનુ; મૌખિક મહાકાવ્યોના ગાયકો — માહિતીદાતાઓ — ના મનમાં, એ મહાકાવ્યો છપાશે તે જોવાની અભિલાષા જાગે છે. કહે છે — ‘પગવાનપાઈ(ભગવાનભાઈ), થું માર (મારી) સૉપરી (ચોપડી) બણાવવાનો નં ઉં અમ્મર થાઈ જાવાનો!
પુસ્તકનો ત્રીજો વળાંક છે લેખકનું સંપાદનકાર્ય ઉપરાંત સાંસ્કૃતિક અધ્યયન. એ અધ્યયન એમણે આ આદિવાસીઓનો વિશ્વાસ જીતીને, એમના એક પ્રેમાળ પરિવારજન બનીને કર્યું છે — ને અનેક માઈલોની પદયાત્રા કરીને પાષણ-ઓજારો, ગુફાચિત્રો, અશ્મ સમાધિઓનો ઝીણો અભ્યાસ કરીને, કાવ્યસંપાદનગ્રંથો ઉપરાંત ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ નામનું પુસ્તક કર્યું — એ યાત્રાકથન રોમાંચક ને આદરપ્રેરક છે.
ઘરોબો વધતાં આ આદિવાસી પ્રજાની ઉદારતા સાથે એમની અદિમ પાશવી હિંસકવૃત્તિ નો પરિચય થતાં, લેખક એક બીજો વળાંક લે છે — કર્મશીલ બનવાનો મનસૂબો. સમજાવી-મનાવીને, પ્રબોધક નાટ્યઅંશો એમની જ પાસે ભજવીને રજૂ કરીને લેખકે આ પ્રજાની હિંસકતાને ઘણે અંશે ઠારવાનો પ્રયાસ પણ કર્યો.
આવી, વિવિધ પરિમાણોવાળી આ કૃતિ સાહિત્યના તેમજ સમાજશાસ્ત્રોના વિદ્યાર્થીઓ સામે પાઠ્યપુસ્તક તરીકે પણ મૂકાવી જોઈએ એવી, સંવેદનશીલતાની ને સંશોધનની તાલીમ આપનારી કૃતિ છે.
સૌથી પહેલાં તો આ પુસ્તક, એક રોમાંચક અને રસપ્રદ વાચન સંપડાવનારું છે. એ વાચન વાચકને તૃપ્ત અને સમૃદ્ધ કરશે.
ભગવાનદાસ પટેલ
ભગવાનદાસ પટેલ (જન્મ: ૧૯ નવેમ્બર ૧૯૪૩) ગુજરાતના ખ્યાત આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યવિદ, પ્રાગિતિહાસવિદ ભીલ લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને આદિવાસી અકાદમી, તેજગઢના પૂર્વ નિયામક છે.
એમના દ્વારા સંપાદિત ૪ લોકમહાકાવ્યો, ૨૧ લોકાખ્યાનો, ૧૦૦૦ આદિવાસી લોકગીતો અને અનેક પુરાકથા-લોકકથાઓના સંપાદનનાં ૫૦ પુસ્તકો થકી આદિવાસી લોકસાહિત્ય સ્વતંત્ર ધારા તરીકે સ્વીકાર પામી ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે સ્થપાયું છે. આ વિદ્યાશાખાના અભ્યાસી ડૉ. હસુ યાજ્ઞિક કહે છે, "ભગવાનદાસ દ્વારા સંપાદિત 'ગુજરાંનો અરેલો', 'રાઠોરવારતા', ‘ભીલોનું ભારથ' અને ‘રોમ-સીતમાની વારતા' – આ ચાર લોકમહાકાવ્યો તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના "કલેવાલ' પછીનું સંસિદ્ધ ઉન્નત શૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહી પરંતુ વૈશ્વિક ક્ષેત્રના આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે, સર્વોન્નત અભ્યાસશૃંગ છે." ભગવાનદાસનાં પુસ્તકોના હિંદી-અંગ્રેજી અનુવાદો દ્વારા ભીલી સાહિત્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચ્યું છે અને અભ્યાસનો વિષય બન્યું છે. તેમના દ્વારા સંપાદિત ‘ભારથ'નો સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૨૩ ભારતીય ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે. ‘રંગબહાર’ સંસ્થા સાથે ઇઝરાયલ, ફ્રાંસ, ઈંગ્લૅન્ડ, બેલ્જિયમ જેવા યુરોપના દેશોમાં વિશ્વલોકનૃત્ય મહોત્સવો અને પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ૭ વર્ષ આદિવાસી અકાદમીના માનદ નિયામકપદે રહીને વિશ્વકક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક સ્વરોનું સંગ્રહાલય સર્જવામાં સિંહફાળો આપ્યો છે.
કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ભાષા સમ્માન ઍવૉર્ડ, ફ્રેન્ડશિપ ફોરમ ઑફ ઈન્ડિયા, દિલ્હીનો ભારત એક્સેલન્સ એવોર્ડ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને દક્ષિણ કોરિયાના સંયુક્ત ઉપક્રમે ટાગોર લિટરેચર ઍવૉર્ડ, ગુજરાતનો મેઘાણી ઍવૉર્ડ ઇત્યાદિ સન્માન એમને પ્રાપ્ત થયાં છે.
ભગવાનદાસ પટેલનાં અન્ય પુસ્તકો
-
ઇબુક
Rathor Varta : A Heroic Narrative Of The Dungri Bhils
સંપાદક: ભગવાનદાસ પટેલ | અનુવાદક: નીલા શાહ
-
-
-
ઇબુક
Bhil Lokakhyano : Oral Narratives Of The Dungari Bhils
સંપાદક: ભગવાનદાસ પટેલ | અનુવાદકો: નીલા શાહ, પર્સિસ શાહ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-