ભિલોડા તાલુકાના મલાસા ગામે સીમાંત ખેતી અને મજૂરી કરતાં માતા પિતાનું આઠમું સંતાન એવા પ્રાગજીભાઈનો જન્મ ૨૪ માર્ચ, ૧૯૪૦ના રોજ થયો. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મલાસા, વસાઈ અને ઈડર ખાતે મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ અમદાવાદ અને મોડાસા ખાતે લીધું. ઇ.સ. ૧૯૬૪થી ૧૯૬૭ સુધી માધ્યમિક શિક્ષક તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૬૯થી છેક ઈ.સ. ૧૯૯૫ સુધી યાને પ્રાંતિજ કોલેજથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં મોડાસા, ઈડર, અમદાવાદ અને પ્રાંતિજ એમ વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે કામ કર્યું. આમ ત્રણેક દાયકા સુધી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા રહ્યા.
તેઓ પરિપક્વ વયે સાહિત્ય સર્જન, વિવેચન અને લોકસાહિત્ય ક્ષેત્રે સક્રિય થયા. તેમણે કથા સાહિત્યમાં પ્રથમ વાર્તાસંગ્રહ 'ફરી પાછા પૃથ્વી પર' (ઈ.સ. ૨૦૦૦)માં પ્રકાશિત કર્યો. તે સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પારિતોષિકથી પોંખાયો. તેમણે ત્રણેક નવલકથાઓ આપી છે: ૧. 'દિવાળીના દિવસો' (૨૦૦૨), ૨. 'ઘેરાવ' (૨૦૦૯), 3. 'મંછીભાભી' (૨૦૧૯). પ્રથમ નવલનું રમેશ કરોલકરે નાટ્યરૂપાંતર કરી જુદા જુદા શહેરોમાં તેની ભજવણી કરી. 'ઘેરાવ'ને દલિત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. તેઓ "છબીકારની તટસ્થતાથી" અને "સમૂહજીવનની જિજીવિષાનું નિરૂપણ દાદ માગી લે" તેવું કરે છે.
આ સાથે તેમણે ત્રણ વિવેચન સંગ્રહ આપ્યા છે. ૧. ફેર તપાસ, ૨. શબ્દ તપાસ, ૩. સાહિત્ય તપાસ. તેમાં તેમની તટસ્થ સાહિત્ય દૃષ્ટિ તથા ગાંધીયુગીન વિવેચન જેવી લોકાભિમુખ શૈલીનો સમન્વય વર્તાય છે. તેમણે પોતાના પ્રદેશનાં લોકગીતોને સંશોધિત કરી એક સંપાદન આપ્યું છે. તેમાં તેમની લોકસાહિત્યની મર્મગ્રાહી સમજનો અનુભવ થાય છે. આ ઉપરાંત બે નિબંધ શૈલીના સંસ્મરણ ગ્રંથો ૧. 'એ વર્ષો એ દિવસો', ૨. 'માણ્યું તેનું સ્મરણ' આપ્યા છે.
અગાઉ તેઓ 'અરવરવ' સામયિકમાં સંપાદક હતા. હાલમાં તેઓ 'શબ્દરવ' સામાયિકમાં પણ સંપાદક ટીમમાં જોડાયેલા છે. હજુ તેઓ સાહિત્યક્ષેત્રે તરોતાજા સક્રિય છે.
– પ્રેમજી પટેલ