ધીરેન્દ્ર મહેતા
ગુજરાતી સાહિત્યના બહુવિધ રૂપોમાં મહત્વનું પ્રદાન કરનાર ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતાનો જન્મ અમદાવાદમાં (૨૯-૦૮-૧૯૪૪). ઉછેર અને કોલેજ સુધીનું શિક્ષણ વતન ભુજમાં. એમ.એ., પીએચ.ડી. અમદાવાદ. ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકે ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા પછી વર્ષ ૨૦૦૬માં નિવૃત્તિ. કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, રેખાચિત્ર, વિવેચન આદિના પચાસથી વધુ પુસ્તકો પ્રકાશિત.
માનવ મનનાં ઊંડાણોને તાગતું એમનું કથાસાહિત્ય અને સમ્યક્ વિવેચના સતત સુજ્ઞોના ધ્યાનનું કેન્દ્ર રહ્યા છે. એમની સર્જનયાત્રાના મૂળમાં રહેલી કવિતા સાતત્યપૂર્વક પાંગરતી રહી અને 'પવનના વેશમાં' (૧૯૯૫)થી લઈને 'શાહમૃગ' (૨૦૨૫) સુધી ચાર કાવ્યસંગ્રહો આપણને સાંપડ્યા. તેમજ 'ભૂસકાની ઉજાણી' (૧૯૮૬, ૨૦૦૭)નાં બાળકાવ્યો પણ ગવાતાં અને ઝિલાતાં રહ્યાં. પરંપરા અને પ્રયોગનો સમન્વય રચતી એમની કાવ્યબાની કવિતાનાં અનેકવિધ રૂપોમાં પ્રકટ થતી એમની એક આગવી કવિ-મુદ્રા રચી આપે છે. સંવેદનની સૂક્ષ્મતા, દ્રશ્યાત્મકતા અને લયાત્મકતા સાથેનું વિષયવૈવિધ્ય એ એમની કવિતાનો વિશેષ છે. પ્રદેશવિશેષના પરિવેશને તાદૃશ કરતાં કાવ્યો અને ભૂકંપ-સંવેદનનાં કાવ્યો એમની આગવી ઓળખ બની રહ્યા.
કચ્છના ભીષણ ભૂકંપની પૃષ્ઠભૂ ધરાવતી એમની નવલકથા 'છાવણી' (૨૦૦૬) વર્ષ ૨૦૧૦નો કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર પામી તેમજ મરાઠી, હિન્દી અને રાજસ્થાનીમાં એના અનુવાદો પણ થયા. એમની વાર્તાઓ અંગ્રેજી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ પામતી રહી છે. એમનું સર્જન અને વિવેચન રણજિતરામ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક આદિ અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પોંખાતું રહ્યું છે.
અધ્યયન અને અધ્યાપનથી નિખાર પામેલું વ્યક્તિત્વ ધરાવતા ડૉ. ધીરેન્દ્ર મહેતા આજે એમની વયના આઠમા દાયકામાં પણ સાહિત્યસર્જન અને પરિશીલનમાં કાર્યરત છે.
– રમણીક સોમેશ્વર