Author: રમણીક સોમેશ્વર

રમણીક સોમેશ્વર

કોઈ મુખર ઘોષ વિના મંદ્ર સૂરે ઘૂંટાયેલી કવિતા આપતા રહેલા રમણીક સોમેશ્વર (જ. ૦૨-૦૧-૧૯૫૧) હંમેશાં કાવ્યરસિકોના ધ્યાનવર્તુળમાં રહ્યા છે. ૧૯૯૬માં 'તમે ઉકેલો ભેદ' કાવ્યસંગ્રહ આપ્યો ત્યારથી એમની કલ્પન-પ્રવણ સર્જકતાએ એમની મુદ્રા આંકેલી. એ પછી ધીમી ગતિએ પણ સાતત્યથી કાવ્ય-સાધના કરતા આ કવિએ ૨૩ વર્ષે બીજો કાવ્યસંગ્રહ 'શાહીનું ટીપું' (૨૦૧૯) આપ્યો એ, ગુજરાતી સાહિત્ય પરિષદના 'ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક'થી પોંખાયો. એમની કાવ્યકૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુદિત થતી ગઈ અને ૨૦૨૫માં તો, દિલીપ ઝવેરીએ એમનાં કાવ્યોને 'Table and Other Poems' નામે અંગ્રેજીમાં ઉતાર્યાં.

એમનું સર્જક વિસ્મય સતત ભારતીય-વિદેશી કવિતાના પરિશીલનમાં પણ વિસ્તર્યું. ઉત્તમ કાવ્યોના અનુવાદો એ કરતા રહ્યા. તેલુગુ કવિ એન. ગોપીની દીર્ઘ કવિતાના એમના અનુવાદ 'જળગીત' (૨૦૦૬)ને ૨૦૦૯નો કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનો અનુવાદ પુરસ્કાર મળ્યો.

'કરચલિયાળું તળાવ' નામે લલિતનિબંધોનો સંગ્રહ આપનાર ને કેટલાંક મહત્ત્વનાં સંપાદનો કરનાર રમણીકભાઈ બેન્ક અધિકારી તરીકે નિવૃત્ત થયા પછી હાલ ભુજમાં નિવસે છે ને સાહિત્ય સર્જન-વાંચન-નિરત રહે છે.

– રમણ સોની

Searching...

Navigate
Select
Close