ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના એક પ્રમુખ વિવેચક જયંત કોઠારીનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે.
એ લેખોને ૪ વિભાગોમાં રજૂ કર્યા છે : જયંતભાઈએ પશ્ચિમના અને સંસ્કૃતના કાવ્યશાસ્ત્ર વિશે તથા ગુજરાતી વિવેચન વિશે ચિકિત્સક અને વિમર્શાત્મક પણ સ્પષ્ટ અને વિશદ ચર્ચા કરેલી છે. એવા વિવેચનમાંથી પ્રતિનિધિરૂપ લેખો/લેખાંશો તારવીને સાહિત્યવિચાર વિભાગમાં મૂક્યા છે; સંશોધન વિશે એમણે લેખો તેમજ પુસ્તક પણ કર્યાં છે. એમાંથી પસંદ કરેલા લેખો સંશોધનવિચાર હેઠળ મૂક્યા છે. ત્રીજો વિભાગ એમના મધ્યકાલીન સાહિત્ય વિશેનાં લખાણોમાંથી તારવેલાલેખો/અંશોનો છે અને એમણે કરેલાં ગ્રંથવિવેચનો તેમજ કૃતિ-આસ્વાદ-વિવરણોને સમાવતા લેખો ગ્રંથસમીક્ષા,આસ્વાદ નામના ચોથા વિભાગમાં મૂક્યા છે.
એ રીતે જયંત કોઠારીની સ્પષ્ટ વિવેચક-મુદ્રા ઊપસી રહે એવું ચયન આપવાનો પ્રયત્ન રહ્યો છે.
દરેક લેખને છેડે, એ લેખો જે સામયિકો, પુસ્તકોમાંથી લીધા છે એ સ્રોતોના નિર્દેશો કર્યા છે.
લેખોના લેખશીર્ષકો વગેરેમાં જ્યાં અનિવાર્યપણેજરૂરી લાગ્યું ત્યાં શાબ્દિક ઉમેરણો કર્યાં છે ને એવાં સંપાદકીય ઉમેરણો ચોરસ કૌંસ[ ]માં મૂક્યાંં છે.
છેલ્લે, જયંત કોઠારીના વિવેેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એમના સર્વ વિવેચન-ગ્રંથોની સમયાનુક્રમી સૂચિ તેમ જ એમના વિવેચન વિશે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ મૂક્યાં છે.
– રમણ સોની
જયંત કોઠારી
કોઠારી જયંત સુખલાલ (૨૮-૧-૧૯૩૦, ૧-૪-૨૦૦૦) : વિવેચક, સંપાદક, સંશોધક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮માં મેટ્રિક. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૯-૬૨માં અમદાવાદની પ્રકાશ આટ્સ કોલેજમાં અને ૧૯૬૨થી ૧૯૭૯ સુધી ગુજરાત લો સોસાયટીની કોલેજોમાં અધ્યાપક, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.
એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (૧૯૬૦) ગ્રંથ મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ નિમિત્તે લખાયેલો બીજો ગ્રંથ ‘પ્લેટો એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ (૧૯૬૯) છે. ‘ઉપક્રમ’ (૧૯૬૯), ‘અનુક્રમ’(૧૯૭૫), ‘અનુષંગ’(૧૯૭૮), ‘વ્યાસંગ’(૧૯૮૪) આ એમના વિવેચન ગ્રંથોમાં ‘પ્રેમાનંદ તત્કાલ અને આજે’, ‘જીવનવૈભવમાં કળાનો મહેલ’, ‘કાન્તનું ગદ્ય’, ‘ગુજરાતી સાહિત્યવિવેચન: વળાંકો અને સીમાચિન્હો’, ‘કલ્પનાનું સ્વરૂપ’, ‘અખા ભગતનો ગુરુવિચાર’ વગેરે જેવા અત્યંત મહત્ત્વના વિવેચનલેખો છે. આ સંગ્રહોમાંના મધ્યકાલીન અને આધુનિક કૃતિઓ વિશેના લેખો વિવેચક કોઠારીની મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યવિવેચન તરફની ગતિ બતાવે છે. [જયંત કોઠારીના બધાં જ પુસ્તકોમાંના લેખોની વર્ગીકૃત સૂચિ આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.]
‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિષદ રીતે પરિચય કરાવતું ઉત્તમ પુસ્તક છે.
આ ઉપરાંત ‘સુદામાચરિત્ર’ (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ (૧૯૭૬), ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૭૭), ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ (૧૯૮૦), ‘કાન્ત વિશે’ (૧૯૮૭) ‘જૈનગૂર્જર કવિઓ’ (૧૯૮૭), ‘આરામશોભા રાસમાળા’ (૧૯૮૯), ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ (૧૯૯૫) એમના સંપાદનો અને સહસંપાદનો છે.
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ
જયંત કોઠારી, રમણ સોનીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
નીતિન મહેતા - સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
લેખક: નીતિન મહેતા | સંપાદક: સેજલ શાહ | શ્રેણી સંપાદન: રમણ સોની
-
-
-
-
-
-
-
-
-