રામનારાયણ વિ. પાઠક
રામનારાયણ વિશ્વનાથ પાઠક (1887-1955) : આપણા સંમાન્ય વિવેચક રા. વિ.પાઠકનો જન્મ ધોળકા પાસેના ભોળાદમાં, મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને ફિલસૂફી સાથે બી.એ. અને એલએલ.બી. થઈને એમણે 1911થી અમદાવાદમાં થોડાંક વર્ષ વકીલાત કરી. એ છોડીને 1921થી વિદ્યાપીઠમાં ફિલસૂફી અને સાહિત્યનું અધ્યાપન કર્યું. 1925થી ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે જૂની-નવી પેઢી સાથે પ્રેરક અનુબંધ રચ્યો, ને શિક્ષક-વિવેચક તરીકે ‘ગાંધીયુગના કાવ્યગુરુ’ ગણાયા. પછી મુંબઈ-અમદાવાદની કોલેજોમાં પણ અધ્યાપન કર્યું.
મુખ્યત્વે એ ગુજરાતી સાહિત્યના વિવેચક – પંડિતયુગ અને ગાંધીયુગના સેતુરૂપ એક વરિષ્ઠ વિદ્વાન અને પિંગળકાર. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(1933) વગેરે 10 જેટલાં પુસ્તકોમાં એમની અવિરત વિવેચન-સાધના અંકિત થઈ છે. ‘બૃહત્ પિંગળ’(1955) એમનો અપ્રતિમ પિંગળગ્રંથ છે.
એ ઉપરાંત એમણે ‘દ્વિરેફ’ ઉપનામે વાર્તાસર્જન કર્યું – ગુજરાતી વાર્તાના આરંભકાળે પણ રચના-પ્રયોગશીલ નમૂનેદાર વાર્તાઓ આપી – એ ‘દ્વિરેફની વાતો’ના 3 ભાગો(1928, 1935, 1942)માં પ્રગટ થઈ છે ; ‘શેષ’ ઉપનામે સહજ ભાષાશૈલીમાં, ઊર્મિ-ચિંતન ઉભયના સ્પર્શવાળી છંદબદ્ધ ને ગીતકવિતા લખી – એ કાવ્યો ‘શેષનાં કાવ્યો’ (1938)માં ને પછી ‘વિશેષ કાવ્યો’(1959)માં સંચિત થયાં છે; ‘સ્વૈરવિહારી’ નામે એમણે હળવી શૈલીના ને પ્રાસાદિક વિચાર-વિમર્શના નિબંધો લખ્યા – એ ‘સ્વૈરવિહાર’ના 2 ભાગ(1931,1937)માં પ્રગટ થયા. એ ઉપરાંત પણ એમનાં ગદ્ય-પુસ્તકો પ્રગટ થયાં છે.
મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ(1924), તેમજ અનેકવિધ સંપાદનો-સંચયો એમણે અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુ સાહિત્યરસિકો માટે કરેલાં છે.
‘પાઠકસાહેબ’ના આદરણીય સંબોધનથી ઓળખાતા રહેલા રા.વિ.પા.ના સર્જન-વિવેચનના કોઈપણ લખાણનો મુખ્ય ગુણધર્મ પ્રાસાદિકતા ને પારદર્શતા રહ્યો છે એ એમના પ્રદાનની એક વિશેષ ને વિશિષ્ટ ઓળખ છે.
– રમણ સોની
કીર્તિદા શાહ
કીર્તિદા શાહ (જ. ૧૦ ડિસેમ્બર ૧૯૫૭) ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનાં એક નોંધપાત્ર અભ્યાસી અને સંશોધક છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે એમ.એ. થયાં એ પછી તરત (૧૯૮૧થી) એ ગુજરાતી સાહિત્ય કોશ’ના પ્રકલ્પમાં સંશોધન- સહાયક તરીકે જોડાયાં. એ આખો દાયકો મધ્યકાલીન સાહિત્યનો સઘન પરિચય કેળવ્યો અને કોશવિદ્યાની ઝીણવટવાળી શિસ્તમાંથી પસાર થયાં. એનો લાભ જયંત કોઠારીના માર્ગદર્શનમાં એમણે અખાના ‘ચિત્તવિચારસંવાદ’ પર પી.એચ.ડી. કર્યું એમાં પણ થયો. એ પછી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયાં (૧૯૯૦) ને ૨૦૨૦માં અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયાં ત્યાં સુધી ને પછી આજ સુધી એક સાતત્યપૂર્વક એમણે સંપાદન-સંશોધનનાં મહત્ત્વનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ પૈકી ‘મધ્યકાલીન કૃતિસૂચિ’ (૨૦૦૪), ‘અખાની કવિતા’નું અભ્યાસપૂર્ણ સંપાદન (ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હી, ૨૦૦૯), ‘મધ્યકાલીન ગુજરાતી જૈન પરંપરા’ (૨૦૦૫) વિશેષ નોંધપાત્ર છે. શામળની ‘નંદબત્રીસી’નું સંપાદન (૨૦૧૭) કરવા સાથે એમણે
તાજેતરમાં મધ્યકાલીન ગુજરાતી બાલાવબોધનું સંપાદન (૨૦૨૩) તેમજ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંવાદકાવ્યો’ (૨૦૨૪)નું સંપાદન કર્યું છે એ, અપરિચિત રહી ગયેલાં સ્વરૂપોનો ઐતિહાસિક આલેખ આપનારું મહત્ત્વનું પ્રદાન છે. આ ઉપરાંત પણ એમણે કેટલાંક ઉપયોગી સંપાદનો આપ્યાં છે ને મધ્યકાલીન સાહિત્યવ્યાસંગનું સાતત્ય દાખવ્યું છે.
ઈ.સ. ૨૦૨૦થી આજ સુધી ડો. કીર્તિદા શાહ ભારત સરકાર દ્વારા આયોજિત વિજ્ઞાન આદિ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમો ગુજરાતીમાં રચવાની પ્રક્રિયામાં મુખ્ય તજજ્ઞ તરીકે કાર્યપ્રવૃત્ત છે.
– રમણ સોની
રામનારાયણ વિ. પાઠક, કીર્તિદા શાહનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
ઇબુક
રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: રામનારાયણ વિ. પાઠક | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-