પ્રમોદકુમાર પટેલનું વિવેચન સિદ્ધાન્તચર્ચાથી લઈને ઐતિહાસિક પ્રવાહો સુધી અને ગ્રંથવિવેચનથી લઈને સ્વતંત્ર કૃતિવિશેષ સુધી, એકસરખી અભ્યાસશીલતાથી તથા અધિકારથી પ્રસરતું રહ્યું છે.
‘કથાવિવેચન પ્રતિ’ પુસ્તક, એનું નામ બતાવે છે એમ કથાસાહિત્ય (Fiction : નવલકથા અને ટૂંકીવાર્તા)ના વિવેચન વિશેના લેખો સમાવે છે.
અહીં ‘નવલકથાની કળા’ તથા ‘ટૂંકી વાર્તાની વિભાવના’ જેવા સિદ્ધાન્તચર્ચાના લેખો છે; સામ્પ્રત ગુજરાતી કથાસાહિત્યને તેમજ મુનશી, ધૂમકેતુ, જયંત ખત્રી જેવા કથા-લેખકોની સર્જકતાને તપાસતા લેખો છે તેમજ ‘મળેલા જીવ’ (પન્નાલાલ પટેલ), ‘તેજ, ગતિ અને ધ્વનિ’ (જયંત ખત્રીનો વાર્તાસંગ્રહ) વિશેની સમીક્ષા કરતા તેમ જ સુરેશ જોષીની વાર્તા ‘થીંગડું’, કિશોર જાદવની આધુનિક વાર્તા ‘સરકસના કૂવામાં કાગડાઓ’ વગેરે કૃતિઓની વિશ્લેષક-આસ્વાદક ચર્ચા કરતા લેખો છે.
પ્રમોદકુમારની ચર્ચા સર્વસમાવેશી અને વ્યાપક રહેતી હોવા છતાં સર્જક અને કૃતિના મર્મસ્થાનો બતાવી આપનારી વિદ્વાન અધ્યાપકની ઝીણવટો પણ એમાં દેખાય છે.
નિઃશેષ કથનને કારણે એમના લેખો લાંબા ફલક-પથરાટવાળા ખરા, પણ લંબાવેલા હોતા નથી. એમને કોઈ વિચારણીય મુદ્દો રજૂ કરવો હોય ત્યારે જ એ વિવેચન કરે છે. નિઃશેષ વિમર્શ પ્રમોદભાઈની વિશેષતા પણ છે ને વિલક્ષણતા પણ છે.
આ પુસ્તકના લેખો દ્યોતક છે ને વાચકની સજ્જતા વધારનારી પ્રસન્નતા પ્રેરે એવા પણ છે.
પ્રમોદકુમાર પટેલ
પ્રમોદકુમાર ભગુભાઈ પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬) આધુનિક સાહિત્ય અને વિવેચનની, પશ્ચિમી પરંપરાના તેમજ ગુજરાતી અને સંસ્કૃતની વિદ્યાપરંપરાના નિતાન્ત અભ્યાસી રહેલા તત્ત્વનિષ્ઠ વિદ્વાન હતા. ગુજરાતી સાહિત્યના પ્રવાહો, ગ્રંથકારો તેમજ કૃતિઓના ઇતિહાસલક્ષી તેમજ ભાવનલક્ષી વિવેચનમાં પણ એમની કેળવાયેલી સાહિત્યરુચિ સન્નિષ્ઠાથી પ્રવર્તતી રહી.
તેજસ્વી અભ્યાસ-કારકિર્દી મુંબઈ યુનિવર્સિટીમાં ઘડાઈ. બારડોલીમાં ને પછી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિવૃત્તિપર્યંત ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યુ. અધ્યાપનકાર્યનાં આરંભનાં વર્ષોમાં જ એમણે, પંડિતયુગ સુધીના વિવેચકોના વિવેચનતત્ત્વવિચારને તપાસતું પીએચ.ડી.નું સંશોધન કર્યું એ પછી એમણે સંસ્કૃતનો ‘રસસિદ્ધાન્ત’, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ જેવા સળંગ સૈદ્ધાન્તિક-ઐતિહાસિક ગ્રંથો આપ્યા. એમના મહત્ત્વના વિવેચન-સંગ્રહો ‘વિભાવના’, ‘કથાવિચાર’, ‘કળા, સાહિત્ય અને વિવેચન’, ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ વગેરે પણ એક વિષય-સ્વરૂપ-કેન્દ્રી વિવેચનના નમૂનારૂપ છે. પશ્ચિમના ને સંસ્કૃતના સાહિત્યવિચારકો – કેસિરર, રૅને વેલેક, જહૉન ફ્લેચર, શ્રીકંઠૈયા, વી. રાઘવન, એસ. કે. ડે, વગેરે – ના ઉત્તમ દીર્ઘ લેખોના એમના અનુવાદોનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે.
આ વિદ્વત્પુરુષે ગુજરાતી કૃતિઓ-કર્તાઓ વિશે લખ્યું છે ત્યાં એમની ભાવનલક્ષી રસવૃત્તિ પણ સુપેરે પ્રગટ થઈ છે – એમના એક લેખનું શીર્ષક છે – ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’.
સદા નિષ્પક્ષ અને અજાતશત્રુ રહેલા પ્રમોદભાઈ આપણા એક વિરલ વિવેચક અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા.
– રમણ સોની
પ્રમોદકુમાર પટેલનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ
-
-
-
-
-
-
-
-
-
-