સુન્દરમ્ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્ની વાર્તાસર્જક તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે.
સુન્દરમ્ની વાર્તાઓનું આ ઈ-સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી શ્રદ્ધા છે.
— ચંદ્રકાન્ત શેઠ
સુન્દરમ્
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર (જ. ૨૨-૩-૧૯૦૮; અવ. ૧૩-૧-૧૯૯૧) ઉપનામ ‘સુન્દરમ્’. જે પછીથી નામ જ બની ગયું. સુન્દરમ્નો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામે થયો હતો. મિયામાતરમાં ગુજરાતી સાત ચોપડી સુધીનો, આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અને ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ સુધી અભ્યાસ કર્યો. સુન્દરમ્ની સાહિત્યપ્રીતિ અભ્યાસકાળથી જ હતી. ભરૂચની શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે સુપ્રસિદ્ધ વિશ્વનાથ મ. ભટ્ટ ગુજરાતી શીખવતા. એમણે સુન્દરમ્ની રુચિ ઓળખી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આગળ અભ્યાસ માટે સુન્દરમ્ ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૫થી ૧૯૨૯ સુધી રહ્યા છે. અહીં અભ્યાસ કરતાં કરતાં તેઓ ‘સાબરમતી’ દ્વૈમાસિકમાં લેખો લખે છે અને ગાંધીજીના હસ્તે ‘તારાગૌરીચંદ્રક’ મેળવે છે. ૧૯૨૯માં તેઓ સંસ્કૃત અને અંગ્રેજી સાથે ભાષાવિશારદની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરીને સ્નાતક થયા. થોડા વર્ષ સોનગઢ ગુરુકુળમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૩૪માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૪૫માં શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં સ્થાયી થયા. એ પછી એમણે શ્રી અરવિંદના જીવનદર્શનનું અનુશીલન કરતું ત્રૈમાસિક ‘દક્ષિણા’ શરૂ કર્યું.
સુન્દરમ્ ગાંધીયુગના પ્રમુખ સર્જકોમાંના એક છે. એમણે નવલકથા સિવાયનાં સાહિત્યનાં લગભગ બધાં સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમાં પણ આધ્યાત્મિક કવિતાનો પ્રવાહ અનેકરંગી ગુજરાતી કવિતાના આજના પ્રવાહમાં જે ભાત ઉપસાવે છે, એમાં સુન્દરમ્નો ફાળો અનન્ય કહી શકાય. એ જ રીતે ગાંધીજીના પ્રભાવને લીધે એમની કવિતામાં વ્યક્ત થતું દીન-દલિત-પીડિત સંવેદન અને વ્યાપક માનવપ્રેમનું પરિબળ પણ નોંધપાત્ર રહ્યું છે. ‘કોયાભગતની કડવી વાણી’ (૧૯૩૩)થી ‘રંગરંગ વાદળિયાં’ (૧૯૩૯) સુધીમાં એમની પાસેથી પાંચ કાવ્યસંગ્રહો મળ્યા છે. સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે એમનું બીજું મહત્ત્વનું પ્રદાન ટૂંકીવાર્તા ક્ષેત્રે રહ્યું છે. એમની પાસેથી ‘હિરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮), ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯), ‘પિયાસી’ (૧૯૪૦), ‘ઉન્નયન’ (૧૯૪૫) અને ‘તારિણી’ (૧૯૭૭) એમ પાંચ વાર્તાસંગ્રહોમાં કુલ ૫૭ વાર્તાઓ મળે છે. એમાં ‘ગોપી’, ‘ખોલકી’, ‘નાગરિકા’, ‘મીનપિયાસી’, ‘માને ખોળે’ જેવી વાર્તાઓ ઘણી નોંધપાત્ર રહી છે.
વિદ્યાર્થીકાળથી જ જેની શરૂઆત થઈ હતી તે વિવેચનક્ષેત્રે પણ સુન્દરમ્નું માતબર પ્રદાન છે. ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬), ‘અવલોકના’ (૧૯૬૫), ‘સમર્ચના’ (૧૯૭૮) અને ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) એમ ચાર વિવેચન ગ્રંથો એમની પાસેથી મળે છે. એમાં ‘અર્વાચીન કવિતા’ ઐતિહાસિક કાવ્યવિવેચનનો આકરગ્રંથ છે, જેને મહિડા પારિતોષિક એનાયત થયું હતું. ઉપરાંત ‘દક્ષિણાયન’ જેવું પ્રવાસનિબંધનું અદ્વિતીય પુસ્તક, આત્મવૃત્તાંત ‘પાવકના પંથે’, શ્રી અરવિંદનું ચરિત્ર, અનેક અનુવાદો અને બીજું કેટલુંક પ્રકીર્ણ સાહિત્ય મળી લગભગ પાંત્રીસ જેટલા પુસ્તકો સુન્દરમ્ પાસેથી પ્રાપ્ત થયાં છે.
– કેસર મકવાણા
ચંદ્રકાન્ત શેઠ
મૂળની સાથે મેળ છે તેવા, સત સાથે સુમેળ છે તેવા કવિ, ગદ્યકાર, વિવેચક ચંદ્રકાન્ત શેઠનો જન્મ તા. ૩-૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે થયો હતો. વતન ઠાસરા (જિ. ખેડા). માતા સરસ્વતીબહેન, પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરી (તા. હાલોલ), ધોરણ ૮થી ૧૧ પ્રોપ્રાઇટરી હાઇસ્કૂલ, અમદાવાદમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં સ્નાતક, ૧૯૬૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.; ‘ઉમાશંકર જોશીઃ સાહિત્યસર્જક અને વિવેચક’ વિષય લઈને ૧૯૭૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. થયા. એ પછી પણ ઉમાશંકર જોશી વિશે એમનો અભ્યાસ સતત ચાલ્યો.
૧૯૬૧-૬૨ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા, ૧૯૬૨-૬૩ કપડવંજ કૉલેજમાં અધ્યાપક, ૧૯૬૩-૬૬ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં વ્યાખ્યાતા, ૧૯૬૬-૭૨ ભક્ત વલ્લભ ધોળા કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક, ૧૯૭૨ ગૂજરાત વિદ્યાપીઠમાં રીડર, ૧૯૭૯-૮૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીઅન પર આવ્યા અને ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના નિયામક થયા. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન; ૧૯૯૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. ૧૯૯૮થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. વિશ્વકોશમાં સહસંપાદક તથા બાળવિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું છે.
૧૯૮૦-૮૨ સહસંપાદક, ૧૯૮૨-૮૪ માનાર્હ સંપાદક, ગુજરાતી સાહિત્યકોશ, ગુ. સા. પરિષદ; ૧૯૮૯-૯૦માં રાષ્ટ્રીય પ્રાધ્યાપક.
ચંદ્રકાન્તનાં બાહ્ય રૂપોનો ભુક્કો કરી, (‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’) અસલ ચંદ્રકાન્તને શોધવાની અને પામવાની તેમની સર્જન-પ્રક્રિયા કવિતામાં તેમજ ‘નંદ સામવેદી’ના નિબંધોમાં યે ચાલે છે. જાતને તળે-ઉપર કરવાની પ્રક્રિયા આ સર્જકમાં સતત ચાલતી રહી છે. જાતની વિડંબના કરતા જઈને આ કવિ શબ્દનું સત પેટાવતા રહે છે. આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ... બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં અને ગદ્યમાં સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે.
ચંદ્રકાન્ત શેઠ પાસેથી ચૌદેક કાવ્યસંગ્રહો, ચૌદેક નિબંધસંગ્રહો, સંસ્મરણ, એકાંકી, બાળકાવ્યો, બાળવાર્તાઓ, ટૂંકી વાર્તા, હાસ્યકથા, વિવેચન-સંશોધન, સંપાદન, અનુવાદ રૂપાન્તર જેવાં સાહિત્યના વિવિધ ક્ષેત્રોને આવરી લેતાં તેમનાં લગભગ ૧૨૫ પુસ્તકો પ્રગટ થયાં છે.
૧૯૬૪માં ‘કુમાર’ ચંદ્રક, ૧૯૮૩માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૬માં સાહિત્ય અકાદેમી દિલ્હીનો ઍવૉર્ડ, ૨૦૦૫માં નરસિંહ મહેતા ઍવૉર્ડ, ૨૦૦૬માં ગુજરાત સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર, ૨૦૧૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સચ્ચિદાનંદ સન્માન, ૨૦૧૫-૧૬માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૨૦૧૭માં ‘દર્શક ઍવૉર્ડ’, ૨૦૧૮માં બાળકિશોર સાહિત્ય માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ વગેરેથી તેઓ સાહિત્યસેવા સન્માનિત થઈ છે.
— યોગેશ જોષી
સુન્દરમ્, ચંદ્રકાન્ત શેઠનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
ઇબુક
માય ડિયર જયુની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: માય ડિયર જયુ | સંપાદક: ગિરીશ ચૌધરી
-
-
-
ઇબુક
મોહન પરમારની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મોહન પરમાર | સંપાદક: નરેશ વાઘેલા
-
-
ઇબુક
મણિલાલ હ. પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મણિલાલ હ પટેલ | સંપાદક: અજય રાવલ
-
-
-
-
-
-
-
-
-