કૃતિપરિચય : ‘સંકેતવિસ્તાર’
‘વિભાવના’ (૧૯૭૭) અને ‘શબ્દલોક’ (૧૯૭૮) પછીનો આ ત્રીજો વિવેચનગ્રંથ ‘સંકેતવિસ્તાર’ (૧૯૮૦) પ્રમોદકુમાર પટેલની વિવેચનસાધનાના સાતત્યનો અને સઘનતાનો પરિચય આપે છે. પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્ય અને વિવેચનનું એમનું પરિશીલન આ પુસ્તકમાં પણ ચરિતાર્થ થયું છે. એ કૃતિવિવેચનનાં વિવિધ પરિમાણોને આલેખેે છે, પ્રતીકસંવિધાન અને એના અર્થઘટનને તપાસે છે. પછી રસસિદ્ધાંત વિશે લઘુગ્રંથ કરનાર પ્રમોદભાઈ અહીં ‘સ્થાયી ભાવ’ના સ્વરૂપને તપાસી લે છે. ને ગુજરાતીના ત્રણ વિવેચકોના વિવેચનમૂલ્યને આલેખી આપે છે.
હાથ પર લીધેલા કોઈપણ તાત્ત્વિક મુદ્દાને ચોપાસથી તપાસતી અને એના ઊંડાણમાં ઊતરતી પ્રમોદભાઈની તત્ત્વનિષ્ઠા આ બધા લેખોમાં ઉપર તરી આવે છે.
એ ઉપરાંત, આ પુસ્તકમાં વિવેચનનું વિવેચન આપતી કૃતિચર્ચાના છ લેખો છે. ગુજરાતીના મહત્ત્વના વિવેચકોનાં સમર્થ વિવેચનપુસ્તકોની પ્રમોદભાઈએ કરેલી આ સમીક્ષાઓ જાણે કે આપણી તત્ત્વલક્ષી વિવેચનપ્રવૃત્તિનો આલેખ બની રહે છે. પ્રત્યક્ષ વિવેચનામાં પણ તત્ત્વદૃષ્ટિએ કરેલાં નિરીક્ષણો પ્રમોદકુમારની ગરવી વિવેચકમુદ્રાને દૃઢ કરે છે.
આ બધા જ લેખોમાં વિગતવાર છણાવટ અને એની અસંદિગ્ધ પણ વિશદ રજૂઆત વિદ્વાન અધ્યાપકનું સ્વાધ્યાયતપ કેવું હોઈ શકે એના દૃષ્ટાંતરૂપ છે.
– રમણ સોની
પ્રમોદકુમાર પટેલ
પ્રમોદકુમાર ભગુભાઈ પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬) આધુનિક સાહિત્ય અને વિવેચનની, પશ્ચિમી પરંપરાના તેમજ ગુજરાતી અને સંસ્કૃતની વિદ્યાપરંપરાના નિતાન્ત અભ્યાસી રહેલા તત્ત્વનિષ્ઠ વિદ્વાન હતા. ગુજરાતી સાહિત્યના પ્રવાહો, ગ્રંથકારો તેમજ કૃતિઓના ઇતિહાસલક્ષી તેમજ ભાવનલક્ષી વિવેચનમાં પણ એમની કેળવાયેલી સાહિત્યરુચિ સન્નિષ્ઠાથી પ્રવર્તતી રહી.
તેજસ્વી અભ્યાસ-કારકિર્દી મુંબઈ યુનિવર્સિટીમાં ઘડાઈ. બારડોલીમાં ને પછી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિવૃત્તિપર્યંત ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યુ. અધ્યાપનકાર્યનાં આરંભનાં વર્ષોમાં જ એમણે, પંડિતયુગ સુધીના વિવેચકોના વિવેચનતત્ત્વવિચારને તપાસતું પીએચ.ડી.નું સંશોધન કર્યું એ પછી એમણે સંસ્કૃતનો ‘રસસિદ્ધાન્ત’, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ જેવા સળંગ સૈદ્ધાન્તિક-ઐતિહાસિક ગ્રંથો આપ્યા. એમના મહત્ત્વના વિવેચન-સંગ્રહો ‘વિભાવના’, ‘કથાવિચાર’, ‘કળા, સાહિત્ય અને વિવેચન’, ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ વગેરે પણ એક વિષય-સ્વરૂપ-કેન્દ્રી વિવેચનના નમૂનારૂપ છે. પશ્ચિમના ને સંસ્કૃતના સાહિત્યવિચારકો – કેસિરર, રૅને વેલેક, જહૉન ફ્લેચર, શ્રીકંઠૈયા, વી. રાઘવન, એસ. કે. ડે, વગેરે – ના ઉત્તમ દીર્ઘ લેખોના એમના અનુવાદોનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે.
આ વિદ્વત્પુરુષે ગુજરાતી કૃતિઓ-કર્તાઓ વિશે લખ્યું છે ત્યાં એમની ભાવનલક્ષી રસવૃત્તિ પણ સુપેરે પ્રગટ થઈ છે – એમના એક લેખનું શીર્ષક છે – ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’.
સદા નિષ્પક્ષ અને અજાતશત્રુ રહેલા પ્રમોદભાઈ આપણા એક વિરલ વિવેચક અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા.
– રમણ સોની