આ ‘અનુબોધ’ (મે, ૨૦૦૦) પ્રમોદકુમાર પટેલ (૧૯૩૩-૧૯૯૬)નું એમના અવસાન પછીનું વિવેચન-પુસ્તક છે. વિવિધ સામયિકો તથા અધ્યયનગ્રંથોમાં, લેખકની હયાતીમાં પ્રગટ થયેલા, પણ ગ્રંથરૂપે ન પ્રગટેલા લેખો એમના પુત્ર યોગેશ પટેલે, બે વિભાગમાં ગોઠવીને, આ પુસ્તકરૂપે મૂક્યા છે.
પહેલા વિભાગમાં ગુજરાતી કવિતા, કવિઓ તેમજ થોડાક ગદ્યકારો અંગેના ઈતિહાસલક્ષી પ્રવાહદર્શનના આઠ લેખો છે. આ દીર્ઘ લેખોમાં પ્રમોદકુમારનું વિશ્લેષણમૂલક પણ પ્રાસાદિક વિવેચન છે. તે તે સમયની ને તે તે સર્જકોની સર્જકતાનાં ઘણાં માર્મિક સ્થાનો એમણે ચીંધી આપ્યાં છે. જૂના અભ્યાસીઓને તૃપ્ત કરે ને નવા અભ્યાસીઓને માર્ગદર્શનરૂપ નીવડે એવું વિવેચન અહીં વાંચવા મળશે.
બીજો વિભાગ મધ્યકાલીન, અર્વાચીન, આધુનિક કાળની કેટલીક મહત્ત્વની કૃતિઓ વિશે ગ્રંથસમીક્ષારૂપ લખાણોનો છે. ‘મીરાંનાં પદો’થી લઈને ‘જટાયુ’(સિતાંશુ યશશ્ચંદ્ર) સુધીના કૃતિફલકમાં પ્રમોદભાઈની રુચિ પ્રવર્તી છે.
છેલ્લો, ‘પર્ણજ્યોતિના ઉજાસમાં’ લેખ, પોતાના જીવનમાં પ્રેરક બનેલાં પુસ્તકો અંગેની કેફિયતરૂપ છે પણ એમાંય, મહત્ત્વના ઉત્તમ ગ્રંથોનો આસ્વાદ તો પ્રગટે છે.
પ્રમોદકુમાર પટેલ
પ્રમોદકુમાર ભગુભાઈ પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬) આધુનિક સાહિત્ય અને વિવેચનની, પશ્ચિમી પરંપરાના તેમજ ગુજરાતી અને સંસ્કૃતની વિદ્યાપરંપરાના નિતાન્ત અભ્યાસી રહેલા તત્ત્વનિષ્ઠ વિદ્વાન હતા. ગુજરાતી સાહિત્યના પ્રવાહો, ગ્રંથકારો તેમજ કૃતિઓના ઇતિહાસલક્ષી તેમજ ભાવનલક્ષી વિવેચનમાં પણ એમની કેળવાયેલી સાહિત્યરુચિ સન્નિષ્ઠાથી પ્રવર્તતી રહી.
તેજસ્વી અભ્યાસ-કારકિર્દી મુંબઈ યુનિવર્સિટીમાં ઘડાઈ. બારડોલીમાં ને પછી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિવૃત્તિપર્યંત ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યુ. અધ્યાપનકાર્યનાં આરંભનાં વર્ષોમાં જ એમણે, પંડિતયુગ સુધીના વિવેચકોના વિવેચનતત્ત્વવિચારને તપાસતું પીએચ.ડી.નું સંશોધન કર્યું એ પછી એમણે સંસ્કૃતનો ‘રસસિદ્ધાન્ત’, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ જેવા સળંગ સૈદ્ધાન્તિક-ઐતિહાસિક ગ્રંથો આપ્યા. એમના મહત્ત્વના વિવેચન-સંગ્રહો ‘વિભાવના’, ‘કથાવિચાર’, ‘કળા, સાહિત્ય અને વિવેચન’, ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ વગેરે પણ એક વિષય-સ્વરૂપ-કેન્દ્રી વિવેચનના નમૂનારૂપ છે. પશ્ચિમના ને સંસ્કૃતના સાહિત્યવિચારકો – કેસિરર, રૅને વેલેક, જહૉન ફ્લેચર, શ્રીકંઠૈયા, વી. રાઘવન, એસ. કે. ડે, વગેરે – ના ઉત્તમ દીર્ઘ લેખોના એમના અનુવાદોનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે.
આ વિદ્વત્પુરુષે ગુજરાતી કૃતિઓ-કર્તાઓ વિશે લખ્યું છે ત્યાં એમની ભાવનલક્ષી રસવૃત્તિ પણ સુપેરે પ્રગટ થઈ છે – એમના એક લેખનું શીર્ષક છે – ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’.
સદા નિષ્પક્ષ અને અજાતશત્રુ રહેલા પ્રમોદભાઈ આપણા એક વિરલ વિવેચક અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા.
– રમણ સોની