કૃતિપરિચય : ‘શબ્દલોક’
ગુજરાતી સાહિત્ય-વિવેચન અને ગ્રંથવિવેચનની મૂળગામી ચર્ચા કરતા ચાર લેખો તથા સિદ્ધાન્તચર્ચાના છ લેખો – એમ ૧૦ સુદીર્ઘ લેખોને સમાવતું આ પુસ્તક પ્રમોદકુમારના સ્વાધ્યાયતપનો પૂરો હિસાબ આપે છે.
એમાં જે કવિતાચર્ચા છે એ વરણાગિયા નથી, પણ સાહિત્યના નક્કર આસ્વાદ-વિમર્શને આગળ કરે છે. એવા એક લેખનું શીર્ષક જ કેવું સૂચક છે! : ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’. આ બધા જ લેખો એ રીતે મર્મગામી બન્યા છે.
સિદ્ધાન્તવિવેચનમાં એમણે તત્ત્વચર્ચા સાથે સમગ્ર ગુજરાતી સાહિત્યવિવેચનના બહોળા પટને બાથમાં લીધો છે. છેક અર્વાચીન વિવેચનના આરંભકાળે રમણભાઈ નીલકંઠે હાથ ધરેલી ‘વૃત્તિમય ભાવાભાસ’ (Pathetic Fallacy)ની ચર્ચાથી લઈને ‘નવ્ય વિવેચન’ સુધીના વિવેચનપટને એમણે પોતાની અધ્યયનશીલતાનો લાભ આપ્યો છે.
સદ્ગત પ્રમોદકુમાર પટેલ ગુજરાતીના એક ઉત્તમ વિવેચક હતા પણ એમની નમ્રતા અભ્યાસીના ખુલ્લા મનની ગવાહી પૂરે એવી છે. નિવેદનમાં એમણે લખ્યું છે કે, ‘મારા પ્રથમ વિવેચનગ્રંથ ‘વિભાવના’ની આલોચના કરનાર અભ્યાસી મિત્રોએ એની ત્રુટિઓ વિશે નિખાલસતાથી ને પ્રામાણિકતાથી નિર્દેશ કર્યો છે એથી મારા જેવા અભ્યાસીને તો મોટો લાભ જ થયો છે.’
નિષ્ઠાભર્યું અધ્યયન કેવું સંગીન છતાં નિર્મળ હોઈ શકે એ પ્રમોદકુમારના વિવેચક વ્યક્તિત્વની આદરપાત્ર ઓળખ છે.
– રમણ સોની
પ્રમોદકુમાર પટેલ
પ્રમોદકુમાર ભગુભાઈ પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬) આધુનિક સાહિત્ય અને વિવેચનની, પશ્ચિમી પરંપરાના તેમજ ગુજરાતી અને સંસ્કૃતની વિદ્યાપરંપરાના નિતાન્ત અભ્યાસી રહેલા તત્ત્વનિષ્ઠ વિદ્વાન હતા. ગુજરાતી સાહિત્યના પ્રવાહો, ગ્રંથકારો તેમજ કૃતિઓના ઇતિહાસલક્ષી તેમજ ભાવનલક્ષી વિવેચનમાં પણ એમની કેળવાયેલી સાહિત્યરુચિ સન્નિષ્ઠાથી પ્રવર્તતી રહી.
તેજસ્વી અભ્યાસ-કારકિર્દી મુંબઈ યુનિવર્સિટીમાં ઘડાઈ. બારડોલીમાં ને પછી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિવૃત્તિપર્યંત ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યુ. અધ્યાપનકાર્યનાં આરંભનાં વર્ષોમાં જ એમણે, પંડિતયુગ સુધીના વિવેચકોના વિવેચનતત્ત્વવિચારને તપાસતું પીએચ.ડી.નું સંશોધન કર્યું એ પછી એમણે સંસ્કૃતનો ‘રસસિદ્ધાન્ત’, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ જેવા સળંગ સૈદ્ધાન્તિક-ઐતિહાસિક ગ્રંથો આપ્યા. એમના મહત્ત્વના વિવેચન-સંગ્રહો ‘વિભાવના’, ‘કથાવિચાર’, ‘કળા, સાહિત્ય અને વિવેચન’, ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ વગેરે પણ એક વિષય-સ્વરૂપ-કેન્દ્રી વિવેચનના નમૂનારૂપ છે. પશ્ચિમના ને સંસ્કૃતના સાહિત્યવિચારકો – કેસિરર, રૅને વેલેક, જહૉન ફ્લેચર, શ્રીકંઠૈયા, વી. રાઘવન, એસ. કે. ડે, વગેરે – ના ઉત્તમ દીર્ઘ લેખોના એમના અનુવાદોનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે.
આ વિદ્વત્પુરુષે ગુજરાતી કૃતિઓ-કર્તાઓ વિશે લખ્યું છે ત્યાં એમની ભાવનલક્ષી રસવૃત્તિ પણ સુપેરે પ્રગટ થઈ છે – એમના એક લેખનું શીર્ષક છે – ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’.
સદા નિષ્પક્ષ અને અજાતશત્રુ રહેલા પ્રમોદભાઈ આપણા એક વિરલ વિવેચક અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા.
– રમણ સોની