ચિનુ મોદી
ચિનુ ચંદુલાલ મોદી, ‘ઇર્શાદ’ (જ. 30 સપ્ટેમ્બર 1939, વિજાપુર) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં, માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958માં ગુજરાતીઇતિહાસ વિષય સાથે બી. એ. 1960માં એલએલ. બી.; 1961માં ગુજરાતી–હિન્દી સાથે એમ. એ., 1968માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘ખંડકાવ્ય’ પર મહાનિબંધ લખી વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) થયા. 1961થી ’64 સુધી કપડવંજ તથા તલોદની કૉલેજોમાં અધ્યાપન. 1965થી ’75 સુધી અમદાવાદની સ્વામિનારાયણ આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક. 1975થી ’77 સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઇટર. 1977થી જાહેરાત ક્ષેત્રે ફ્રી-લાન્સર. એપ્રિલ 1994થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગમાં રીડર તરીકે. ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રૂપ ઍસોસિયેશનના તંત્રી.
પ્રારંભિક સ્તબકની ‘વાતાયન’(1963)ની કવિતા અનુભૂતિ અને અભિવ્યક્તિ પરત્વે રાજેન્દ્ર-નિરંજનયુગીન સૌંદર્યાભિમુખ કવિઓને અનુસરતી લાગે છે. ‘રે’ મઠના કવિઓના સંપર્ક પછી એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટતો અનુભવાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં અન્ય રચનાઓ ઉમેરી પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’(1974)માં છાંદસની સાથે અછાંદસ રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. ‘શાપિત વનમાં’ (1976) અને ‘દેશવટો’(1978)ની રચનાઓમાં આધુનિક અવાજ વિશેષ પ્રભાવક બને છે. આધુનિક કવિતાની અનેક લાક્ષણિકતાઓ આ રચનાઓ પ્રગટ કરે છે.
કવિતા પછી ચિનુભાઈનો બીજો પ્રેમ નાટક સાથે. ‘રે મઠ’ના કવિમિત્રો સાથે તેમણે પ્રયોગશીલ નાટકો આપ્યાં છે. ‘ડાયલનાં પંખી’-(1967)નાં ઍબ્સર્ડ એકાંકીઓ પદ્યમાં રચાયાં છે. ‘કૉલબેલ’(1973)નાં એકાંકીઓમાં પ્રયોગશીલતા વિશેષ છે. ‘હુકમ માલિક’(1984)નાં નાટ્યતત્વથી સભર એકાંકીઓ ‘આકંઠ સાબરમતી’ની કાર્યશિબિરનું ફળ છે. ‘જાલકા’(1985) એ ‘ રાઇનો પર્વત’ નાટકના એક અગત્યના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી રચાયેલું ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેધ’ (1986) યજ્ઞના અશ્વ અને અશ્વમેધ કરનાર રાજાની રાણી વચ્ચેના સંભોગની શાસ્ત્રોક્ત વિધિને વિષય બનાવી રચાયેલું ત્રિઅંકી નાટક છે. ‘ખલીફાનો વેશ યાની ઔરંગઝેબ’, ‘ઔરંગઝેબ અને નૈષધરાય’, ‘નવલશા હીરજી’, ‘શુકદાન’ (2000) તથા ‘ચિનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ’માં એકાંકી અને અનેકાંકી નાટકો પ્રાપ્ત થાય છે. ‘અખો’ (2010) ત્રિઅંકી નાટક છે.
કવિતા અને નાટકની સાથે સાથે લેખકનું નવલકથાસર્જન પણ થતું રહ્યું છે. તેમની પ્રથમ નવલકથા ‘શૈલા મજમુદાર’ (1966) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી આધુનિક યુવતીની સંવેદનકથા છે. ‘ભાવચક્ર’(1975)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું પુનરાવર્તન જણાય છે. ‘લીલા નાગ’ (1971) મનુષ્યમાં રહેલા કામાવેગ તથા તેની વિકૃતિની કથા છે. ‘હગઓવર’ (1985) કામાવેગથી સ્ત્રીમાં જન્મતી ઉદ્દંડ પ્રગલ્ભતાને પ્રગટ કરે છે. ‘ભાવ-અભાવ’ (1969) પોતાના અસ્તિત્વથી સભાન મનુષ્યની કથા છે. આ લઘુનવલમાં વિચારતત્વનું ભારણ અનુભવાય છે. ‘પહેલા વરસાદનો છાંટો’ (1987) ચીલાચાલુ ધારાવાહી નવલ છે. ‘કાળો અંગ્રેજ’ સાંપ્રત સ્થિતિને સ્પર્શતી કટાક્ષકથા છે. ‘માણસ હોવાની મને ચીડ’ પણ વિશિષ્ટ નવલ છે.
લેખકના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ડાબી મૂઠી જમણી મૂઠી’(1986)માં કવિ ચિનુ મોદી ઠેર ઠેર ડોકાય છે. બીજા સંગ્રહમાં લેખક ‘છલાંગ’ (1997) તો લગાવે છે, પણ અધકચરી–અલબત્ત સંગ્રહની 31 પૈકી લગભગ અડધોઅડધ રચનાઓ પ્રયોગશીલ છે. રૂપનિર્મિતિ પર તેમણે ઠીક ઠીક ધ્યાન આપ્યું છે. લેખકનું દર્શન આધુનિક વેદનશીલતાએ વિકસેલું જોવા મળે છે.
‘મારા સમકાલીન કવિઓ’(1973)નું સંવર્ધિત રૂપ ‘બે દાયકા : ચાર કવિઓ’ (1974) રૂપે મળે છે. તેમાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સમીક્ષા સાંપડે છે. ‘ખંડકાવ્ય–સ્વરૂપ અને વિકાસ’ (1974) તેમનો મહાનિબંધ છે. ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’ (1979) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા છે. આ વિવેચનગ્રંથો લેખકની કાવ્યવિષયક સૂઝ-સમજનો ખ્યાલ આપી રહે છે. ‘કલશોર ભરેલું વૃક્ષ’ (1995) સતીશ વ્યાસ સાથે મળીને કરેલું રાવજીવિષયક વિવેચનલેખોનું સંપાદન છે.
‘ચઢો રે શિખર રાજા રામનાં’ (1975) ચં. ચી. મહેતાની પ્રતિનિધિ કવિતાનું સંપાદન છે. ‘ગમી તે ગઝલ’ અને ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ તથા ‘સુખનવર’ શ્રેણી અંતર્ગત 20 ગઝલકારોનું સંપાદન તેમણે કૈલાસ પંડિત સાથે આપ્યું છે. ‘સ્વાતંત્ર્યસંગ્રામનાં એકાંકી’નું સંપાદન પણ એમણે અન્ય સાથે કર્યું છે. ‘વસંતવિલાસ’ (1957) મધ્યકાલીન અજ્ઞાત કવિના ફાગુકાવ્યનો અનુવાદ છે. નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો છે.
— પ્રસાદ બ્રહ્મભટ્ટ
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
ચિનુ મોદી, યોગેશ જોષી, ઊર્મિલા ઠાકરનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
-
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
નયન હ. દેસાઈની કાવ્યસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: નયન હ. દેસાઈ | સંપાદક: ધ્વનિલ પારેખ
-
-
ઇબુક
ધીરેન્દ્ર મહેતાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ધીરેન્દ્ર મહેતા | સંપાદક: રમણીક સોમેશ્વર